The Dalit creators of the new generation read the literature of Dr. Ambedkar and then pick up the penThe Dalit creators of the new generation read the literature of Dr. Ambedkar and then pick up the pen

દલિત સાહિત્ય અને સમાજસેવાને સમર્પિત ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ની ૨૫ વર્ષની
સાતત્યપૂર્ણ યાત્રાની રજત જયંતિ મહોત્સવ આજે ગુજરાત વિદ્યાપીઠ- અમદાવાદમાં યોજાઈ ગયો.

અધ્યક્ષ પદેથી ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ પ્રકાશ ન.શાહે આજની બળવાન અને બળકટ
ગુજરાતી દલિત કલમોએ સમગ્ર ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો
જ્યારે પ્રસિધ્ધ મરાઠી દલિત સાહિત્યકાર – ‘પેન્થર’ સંસ્થાના સ્થાપક જ.વી.પવારે, સરકારી

અનુદાન વિના ભારતભરમાં દલિત સાહિત્યના ૧૨૫ પુસ્તકોના પ્રકાશન સાથે ૨૫ વર્ષથી
સાતત્યપૂર્ણ રીતે સક્રિય ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીને રજત મહોત્સવની શુભકામનાઓ
આપી, નવી પેઢીના દલિત સર્જકોને ડૉ.આંબેડકરના વિપુલ સાહિત્ય વાંચીને પછી કલમ
ઉપાડવાનો અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડૉ.આંબેડકર પરની પાંચ હજાર કવિતાઓનું વિશ્વવિક્રમ સમા પુસ્તકનું સંપાદન
કરનારા અને ભારતભરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરના પુસ્તકોને દેશની વિભિન્ન ભાષાઓમાં
સરકારી સ્તરે પ્રકાશિત કરાવવામાં યશસ્વી યોગદાન આપનાર જ.વી.પવાર આંબેડકરી
સાહિત્યવિશ્વની એક ધરોહર સમા સર્જક છે.

પ્રસિધ્ધ સર્જક ડો. કેશુભાઈ દેસાઈ કે જેઓ ગુજરાતમાં દલિત સાહિત્યના આરંભના સાક્ષી અને
સહયાત્રી રહ્યા છે તેમણે, ગાંધીજીની માનસપુત્રી સમાન ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીની વંચિતો –
શોષિતો પ્રતિની સંવેદનશીલતા હરકોઈના હ્રદયમાં વસે એવી કામના વ્યક્ત કરી હતી.

પૂર્વ આઈ.પી.એસ. અધિકારી અને વેદો-પુરાણકથાઓના અભ્યાસુ ડૉ. રાજન્ પ્રિયદર્શીએ, દલિત
સર્જકોને તેમના સાહિત્યનો પ્રકાશ સમાજના અંધારા ખૂણા સુધી પહોંચાડવાની ડૉ.બાબાસાહેબની
સલાહની યાદ કરાવી હતી.

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પ્રવીણ ગઢવીએ ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૭માં આરંભ
પામી આજે ૨૫માં રજત જયંતિ વર્ષમાં પ્રવેશેલી અકાદમી સાથેની સફરને યાદ કરી હતી.

સ્વાગત પ્રવચન મુંબઈ યુનિવર્સિટીના ડૉ.રતિલાલ રોહિતે કર્યું હતું.

અકાદમીના મહામંત્રી હરીશ મંગલમ્ અને પ્રકાશન મંત્રી અરવિંદ વેગડા અને તમામ હોદ્દેદારોના
સહયોગ અને પરિશ્રમ થકી સંપન્ન થયેલા આ રજત મહોત્સવમાં મોટી સંખ્યામાં સાહિત્યસર્જકો-
ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રથમ સત્રમાં દલિત સાહિત્યના દશ પુસ્તકોનું લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું હતું.

બપોર પછી મળેલ બીજા સત્રમાં કવિ સંમેલન અને કવિઓ – સર્જકોના સન્માન સાથે આ રજત
મહોત્સવનું સમાપન થયું હતું.

You missed

Translate »
error: Content is protected !!