અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી
મહોત્સવ – 2022 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા
મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય પણ શહેરીજનો માટે
અન્ય ઘણા આકર્ષણો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ
અલગ થીમ પેવેલિયન, અટલ બ્રીજની પ્રતિકૃતિ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના સૌથી વધુ દિવસ ચાલતા લોકઉત્સવ નવરાત્રી પર્વની સૌને
શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, માં આદ્ય શક્તિની ઉપાસના અને ભક્તિમાં લીન
બનીને ગરબે ઘુમવાના દિવસો શરૂ થયા છે. કોરોનાના કારણે 2 વર્ષ પછી ગરબાના
રસિયાઓને ગરબે ઘૂમવા મળવાનું છે એટલે સૌના ચેહરા પર આનંદ અને ઉત્સાહ જોવા મળી
રહ્યો છે. ગરબો ગુજરાતની વિશિષ્ટ સંસ્કૃતિની ઓળખ છે. આપણા વડાપ્રધાનશ્રી અને આદ્ય
શક્તિના પરમ ઉપાસક શ્રી નરેન્દ્ર મોદીજીએ આ ગરબાને ગ્લોબલ બનાવવાની નેમ સાથે
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની શરૂઆત કરાવેલી. જેના ભાગરૂપે ગુજરાતના ઉત્સવો ખરા
અર્થમાં લોક ઉત્સવો અને જન ઉમંગ ઉત્સવ બન્યા છે. આવા લોક ઉત્સવોની ઉજવણીનો અન્ય
હેતુ સ્થાનિક સ્તરે રોજગારી પૂરી પાડવાનો પણ છે. આપણા પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના
મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે તહેવારો સાથે જનભાગીદારી જોડીને ખરા અર્થમાં લોક
ઉત્સવોની ઉજવણીની શરૂઆત કરાવી હતી . જેના ભાગરૂપે પતંગોત્સવ, રણોત્સવ, કાંકરિયા
કાર્નિવલ, વાઇબ્રન્ટ નવરાત્રી, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા ઉત્સવો વિશ્વ સમક્ષ ગુજરાતની
અસ્મિતાના પ્રતીક તરીકે ઊભર્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ વર્ષે આ નવરાત્રી મહોત્સવ સૌ પ્રથમ વાર અંબાજી, ચોટીલા,
પાવાગઢ, મોઢેરા, ઉમિયા માતાજી મંદિર, બેચરાજી, માતાનો મઢ, ખોડિયાર માતા મંદિર જેવા
પ્રસિદ્ધ તીર્થધામોમાં પણ એકસાથે ઉજવવામાં આવશે . આ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં
શહેરીજનો માટે થીમ પેવેલિયન, ક્રાફટ બજાર, આનંદ નગરી, બાળ નગરી, ફૂડ સ્ટોલ,
રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા, પરંપરાગત વેશભૂષા જેવા અનેરા આકર્ષણો અને સ્પર્ધાઓનું
આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઉત્સવ પ્રેમી ગુજરાતી પ્રજા માટે ઉત્સવમાં
શિરોમણી ઉત્સવ એટલે નવરાત્રી.આધુનિક આયોજનો સાથે નવરાત્રિના પરંપરાગત આયામો
પણ જળવાઈ રહે એ માટે રાજ્ય સરકાર સમૂહ શેરી ગરબાના આયોજનને પણ પ્રોત્સાહન આપે
છે.
પ્રધાનમંત્રીશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે અમૃતકાળના આપેલા પાંચ સંકલ્પો પૈકી
એક સંકલ્પ આપણા પ્રાચીન વારસા, આપણી સંસ્કૃતિ અને પરંપરા પર ગર્વ કરવાનો અને
આપની ધરોહરને જાળવી રાખવાનો છે. દેવી શક્તિની આરાધનાતો ભારતની પ્રાચીન
પરંપરાઓમાંની એક છે. નવરાત્રી જેવા ઉત્સવ આપણને નવી ઊર્જા અને સામાજિક એકતાનો
આગવો પરિચય આપે છે. આ વર્ષે ભારત સરકારે યુ.એન. કલ્ચર હેરિટેજ ટેગ માટે
ગુજરાતના ગરબાને નોમીનેટ કર્યાં છે જે આપણી વિરાસતનું ગૌરવ ગાન છે. ગુજરાતની
બધીજ સિદ્ધિઓ ઉપલબ્ધિઓ આદ્યશક્તિ મા જગદંબાના આશિષ અને આદરણીય નરેન્દ્રભાઈના
અથાગ પરિશ્રમનું પરિણામ છે. નવરાત્રિનું પર્વ આપણામાં જોશ અને જોમ ભરે છે અને આપણે
દેશસેવા ના કાર્યોમાં સમર્પિત બનીએ. આપણે સૌ માં આદ્ય શક્તિની ભક્તિમાં લીન બનીએ
અને એક બની, નેક બની ગુજરાત અને ભારતને ઉન્નત બનાવીએ તેવી અભ્યર્થના હું પાઠવું છું
.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા મંત્રીશ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આસુરી શકતી પર
દૈવી શક્તિના વિજય તેમજ અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી એટલે નવરાત્રિ પર્વ. દ્વાપર
યુગમાં કૃષ્ણ ભગવાન અને ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ આસુરી શક્તિઓનો વધ કરવા અને
ધર્મ ની સ્થાપના કરવા માટે તેમજ અધર્મીઓનો નાશ કરવા માટે અવતર્યા હતાં. રાવણ સાથે
9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ 10 મા દિવસે રાવણ નો વધ થયો હતો. ત્યારથી ત્રેતા યુગ થી
હિન્દુસ્તાનમાં 9 દિવસ સુધી ગરબા અને દસમા દિવસે દશેરા યોજાય છે. ત્યારથી લઈને
આજસુધી માતાજી ની ઉપાસના કરતું આ નવરાત્રી પર્વ યોજાય છે. ભારતીય સંસ્કૃતિની
ઓળખસમુ આ પર્વ માતાજીની આરાધના અને ઉપાસનામાં લીન થવાનું પર્વ છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર પવિત્ર યાત્રાધામોના
વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ડાકોર, જૂનાગઢ, પાલીતાણા ,
શામળાજી જેવા પવિત્ર યાત્રાધામોનો વિકાસ રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિભાગ દ્વારા
કરવામાં આવે છે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રણોત્સવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી,
નડાબેટ, સાપુતારા, સાસણ ગીર , સોમનાથ વગેરે પ્રવાસન સ્થળોનો વિકાસ કરવામાં આવી
રહ્યો છે. ધાર્મિક ભક્તિને ધાર્મિક શક્તિમાં રૂપાંતરિત કરવા સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે સહકાર અને માર્ગ- મકાન રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, પ્રવાસન રાજ્યમંત્રીશ્રી
અરવિંદ રૈયાણી, ધારાસભ્યશ્રીઓ, સાંસદસભ્યશ્રીઓ, રાજ્યના ચીફ જસ્ટિસશ્રી અરવિંદ કુમાર,
અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સેહરા, પ્રવાસન
વિભાગના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.