આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 72મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદના રિવરફ્રન્ટ પર આવેલા
ચિલ્ડ્રન્સ પાર્કમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ
સ્પર્ધામાં ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે, આજે લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
જન્મદિવસના અવસરે ગુજરાતમાં ચારે દિશાઓમાં સરકાર કે રાજકીય પક્ષના કાર્યકર્તાઓમાં જ નહીં પરંતુ સૌ
સામાજિક સંસ્થાઓમાં પણ એક ખુશીની લાગણી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક જ એવા નેતા છે જે
પોતાના જન્મદિવસ નિમિત્તે મોટા મોટા હાર કે કેકથી દૂર રહીને સમાજસેવાના કાર્યોમાં જોડાઈ લોકો સુધી પહોંચી,
લોકોનું ભલું કરવાનું કામ કરે છે.
વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, આજના દિવસે બીજાના જીવનમાં દીપ પ્રગટાવીને કોઈ
જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવાના કાર્ય કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના અનેક શહેર અને જિલ્લાઓમાં
વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. વૃદ્ધો, નાના બાળકો, મહિલાઓ માટેના
કાર્યક્રમો; હેલ્થ ચેક અપ, બ્લડ ડોનેશન કેમ્પ, 3,000થી વધારે વૃદ્ધોને દાંતના ચોકઠા ગોઠવી આપવા જેવા વિવિધ
કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં આજના એક જ દિવસમાં આયોજિત કરવામાં આવ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ઉમેર્યું કે, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તથા યુવાન
કાર્યકર્તાઓના પ્રયત્નોથી સમાજમાં સૌને સાથે રાખીને આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના 72 કલાક પહેલા આ રંગોળી સ્પર્ધાની જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા
પ્રમાણે, નગરપાલિકાના વોર્ડ પ્રમાણે, મહાનગરોમાં પણ વોર્ડ પ્રમાણે એમ 450થી વધારે જગ્યાઓએ 54,000થી
વધારે લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો છે.
આ રંગોળી સ્પર્ધા સરકારની વિવિધ યોજનાઓ જેમ કે, આયુષ્માન ભારતથી લઈને મેક ઈન ઇન્ડિયા વિષે
યુવાઓ અને અન્યને જાગૃત કરે છે. સરકારની વિવિધ યોજનાઓ આ સ્પર્ધા દ્વારા લોકો સુધી પહોંચે અને તેનો સીધો
લાભ જાહેર જનતાને મળે તે માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડનો પ્રયત્ન સફળતાપૂર્વક પાર પડ્યો છે. વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના માત્ર ત્રણ દિવસ પહેલા જાહેર કરવામાં આવેલી આ રંગોળી સ્પર્ધામાં લોકોનો
અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કર્મચારીઓના મુદ્દા પર વાત કરતા ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, રાજ્ય સરકાર બધી રીતે
કર્મચારીઓને સહયોગી છે. રાજ્ય સરકારના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, જગદીશભાઈ પંચાલ,
કનુભાઈ દેસાઈ, ગુજરાત સરકારના અધિકારીઓ અને તમામ સૌ લોકોએ બેસીને ચર્ચા વિચારણા દ્વારા અપેક્ષા
કરતાં પણ વધુ એટલે કે, 25 વિષયો ઉપર સમાધાન લાવવાના પ્રયત્નો કર્યા છે. દેશના અનેક રાજ્યોમાં છઠ્ઠા પે
કમિશનના પ્રમાણે પગાર ધોરણ ચાલુ છે ત્યારે ગુજરાત રાજ્યમાં સાતમા પે કમિશન પ્રમાણે પગાર અપાય છે. તે
સિવાય પણ કર્મચારીઓના હિતની જાહેરાત બાદ, સાતમા પે કમિશનના બાકીના બધા ભથ્થાં પણ તાત્કાલિક ધોરણે
કર્મચારીઓને ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારે રાજ્યના 9 લાખ
સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારના હિતમાં અદભુત નિર્ણય લીધો છે. બાકીના જે પણ વિષયો હશે તેને સમય
પ્રમાણે ધ્યાનમાં લઇ તેની ઉપર સંતોષપૂર્વક ચર્ચા કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યુ હતું.
આ રંગોળી સ્પર્ધામાં પોલીસ ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ
હાજરી આપી હતી.