ગાંધીનગરના સેકટર-૨૧ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ખાંભલાને સસ્પેન્ડ કરવાનો હુકમ જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલે કર્યો છે. સાથો સાથ બે પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લીધા છે. હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને લોકઅપની જગ્યાએ પોલીસ સ્ટેશનના રૂમમાં રહેવાની સગવડ અપાઈ હોવાનો કથિત વીડિયો વાયરલ થયા બાદ આ નિર્ણય લેવાયો છે.
ગાંધીનગરના સેકટર – ૨૪માં નજીવી બાબતે ધિંગાણું થયું હતું અને તલવાર વડે હુમલો કરી વકીલની હત્યાનાં પ્રયાસનો ગુનો સેકટર – ૨૧ પોલીસ મથકમાં નોંધાયો હતો. આ મામલે વકીલ જગદીશભાઈ અતુલભાઇ દેસાઈ અને નજીકમાં રહેતાં કસ્તુર ભાઈ મારવાડી (માલી)એ સામસામે ફરિયાદ નોંધાવી હતી. અતુલભાઈની ફરિયાદ મુજબ, ઘર નજીક મોટેથી ગાળો બોલવાની ના પાડતા કસ્તુરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા નીચે પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી દીધો હતો. તેના દીકરા આકાશ અને સંજય અને તેના ભાઈ તુલસીભાઈ માલી તલવાર તથા પાઇપો લઇને આવી ગયા હતા. કસ્તુરભાઇ માલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ જુદી જુદી જગ્યાએ ચોળાફળીનો વેપાર કરે છે.
બનાવની રાત્રે, જગદિશભાઇ, સમીર તેમજ અતુલભાઈ દેસાઈએ ચોળાફળી માંગી હતી. જો કે હાલમાં ચોળાફળી નથી તેવું કસ્તુરભાઈએ કહેતાં જ જગદીશભાઇ, તેના ભાઇ સમીર અને પિતા અતુલભાઇ ગાળો બોલી ઝપાઝપી કરી હતી.