અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તુફાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે સભ્યો હજી પણ પોલીસ પકડથી દૂર છે. તોફાની ગેંગના તમામ સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. “આજ કુછ તુફાની કરતે હૈ, કોડવર્ડનો ઉપયોગ કરી ચેઈન સ્નેચિંગ કરતા હતા. ચેઈન સનેચિંગ કર્યા બાદ હોટલ પર ઠંડા પીણા અને વેફરની પાર્ટી કરતા હતા. અમદાવાદ શહેર અને ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ચેઈન સ્નેચિંગની અનેક ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઈ હતી. જેને લઈને પોલીસ પણ સતર્ક બની હતી અને આ ચેઇન સ્નેચિંગોને શોધવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, શહેરના નિકોલ વિસ્તારમાં સ્નેચિંગ કરેલા ચેન વેચવા માટે અમુક લોકો આવી રહ્યા છે. જેના આધારે પોલીસે નારોલ વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આ બંનેની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે. પોલીસે જે બે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ મોહમ્મદહયાન અન્સારી અને મોહમ્મદમોઈન શેખ છે. બંને આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી મોહમ્મદહયાન અંસારી અને મોહમ્મદમોઈન શેખ બન્ને આરોપીઓ તથા અન્ય બે વ્યકિત તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઇમરાન ઉર્ફે કાણો મેવાતી આ ચારેયની એક ગેંગ હતી. જે તેમની ગેંગને “તુફાની ગેંગ” તરીકે ઓળખાવતા હતા. આ ચારેય કોઈ કામ ધંધો કરતા નહિ. જ્યારે રૂપિયાની જરૂર હોય ત્યારે એકબીજાને ફોન કરી “આજ કુછ તુફાની કરતે હૈ” એમ જણાવી ભેગા થતા અને મોહમ્મદહયાનનું નંબર વગરનું બાઈક લઈ ચેઇન સ્નેચિંગ કરવા નીકળી જતા. ચેઇન સ્નેચિંગ કર્યા બાદ લૂંટ કરેલી ચેઈનને ગોળ ગોળ ફેરવતા ફેરવતા નિકળી જતા અને રીંગરોડ પર કોઈ હોટલ કે ઢાબા પર જઇ થમ્સઅપ અને વેફરની પાર્ટી કરતા હતા. છેલ્લા એક મહિનામાં આ તુફાની ગેંગ દ્વારા વહેલી સવાર તથા મોડી રાતના સમય મણીનગર, કાલુપુર અને કાગડાપીઠ વિસ્તારમાં ટુ વ્હીલર તથા ચાલતા જઈ રહેલા લોકોના ગળામાંથી સોનાની ચેઈનની લૂંટ કરી હતી. જે સોનાની ચેઇન વેચાણ કરવા માટે જતા પોલીસે પકડી પાડયા હતા. આ ગેંગના સભ્યો ગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે. જેમાં મોહમ્મદહયાન અન્સારી અમદાવાદના સરખેજ, મણીનગર અને રામોલ તેમજ મોહમ્મદમોઈન શેખ દરિયાપુર, માધુપુરા, એલીસબ્રીજ અને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. તો બીજી તરફ વોન્ટેડ આરોપી તુફેલ માઉઝર શેખ પણ અગાઉ પાલડી, એલીસબ્રીજ, બાપુનગર, ગુજરાત યુનવર્સિટી, માધુપુરા, આનંદનગર, શાહપુર, શહેર કોટડા, વેજલપુર પોલીસ સ્ટેશનના ૧૩ ગુનાઓમાં પકડાયેલો છે. હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા અન્ય કોઈ વધુ ગુનાઓ આચરવામાં આવ્યા છે કે કેમ અથવા તો આ ગેંગમાં અન્ય કોઈ સભ્ય સામેલ છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે.