પ્રતાપગઢ
યૂપીના પ્રતાપગઢમાં ૧૦ દિવસમાં જ પોક્સો કોર્ટે આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. પ્રતાપગઢની પોક્સો કોર્ટના આ ઐતિહાસિક ર્નિણય છે. પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ પંકજ કુમારે કહ્યુ હતુ કે, ૧૦ દિવસમાં જ રેપ કેસના આરોપીને ઉંમરકેદની સજા સંભળાવી છે. દોષી ભૂપેન્દ્ર સિંહ પર કોર્ટે ૨૦ હજાર જેટલો દંડ પણ ફટકાર્યો છે. દોષી ભૂપેન્દ્ર સિંહે ૧૨ ઓગસ્ટ ૨૦૨૨ના દિવસે નગર કોતવાલી વિસ્તારમાં ૬ વર્ષની માસૂમ છોકરી સાથે રેપ કર્યો હતો. ત્યારે ગ્રામવાસીઓ ઘટનાસ્થળે પહોંચી જતા આરોપી ભૂપેન્દ્ર સિંહને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ગ્રામીણોએ તેને ફટકાર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. નગર કોતવાલીમાં ૧૩મી ઓગસ્ટ ૨૦૨૨ના દિવસે બળાત્કારનો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસે પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી હતી. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ના દિવસથી સાક્ષીઓ સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ૧૬ સપ્ટેમ્બર સુધી ૮ સાક્ષીઓને ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવી. ૧૭ સપ્ટેમ્બરે આરોપી ભૂપેન્દ્ર સિંહનું કોર્ટમાં નિવેદન લેવામાં આવ્યું. ૨૦ સપ્ટેમ્બરે આ કેસમાં જજ સામે દલીલો પૂરી થઈ. ૨૧મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર સિંહ આરોપી સાબિત થયો. ૨૨ સપ્ટેમ્બરે પોક્સો કોર્ટે આરોપીને આજીવન જેલની સજા સંભળાવી. આરોપી ભૂપેન્દ્ર સિંહ કિરાવા મઉઆઇમા વિસ્તારમાં રહેતો હતો. ૧૦ દિવસમાં જ પીડિતાને ન્યાય મળવાથી ન્યાયની આશામાં વધારો થયો છે. કોર્ટના ઐતિહાસિક ર્નિણયથી ગુનાઓ અને ગુનેગારોમાં ડર પેદા થશે. તેનાથી ગુનેગાર ગુનો કરતાં પહેલાં હજાર વાર વિચારશે. ત્યાં જ ૪૦ દિવસમાં સમગ્ર કેસ સમેટાઈ ગયો હતો. તેમાં પોલીસનું પણ સરાહનીય યોગદાન રહ્યું છે. સરકારી અધિવક્તા દેવેશે જણાવ્યુ હતુ કે, ૧૭ સપ્ટેમ્બરે આરોપી ભૂપેન્દ્રએ કોર્ટમાં રજૂઆત વખતે પોતે સગીર હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ મામલે શૈક્ષણિક પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન તે પ્રમાણપત્ર બોગસ છે તેવું જાણવા મળ્યુ હતુ. તે આરોપી બોગસ પ્રમાણપત્ર રજૂ કરી બચવા માગતો હતો.