કર્ણાટકના ડ્રગ રેગ્યુલેટરે ફાર્મા કંપનીઓને સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો
ભારતમાં બનતા કફ સિરપને કારણે આફ્રિકન દેશ ગામ્બિયામાં ૬૬ બાળકોના મોતની ચિતા હજુ ઠંડી પડી નથી ને હવે દવાઓમાં અન્ય બે કેમિકલના ઉપયોગને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળેલી માહિતી અનુસાર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા ચાર કફ સિરપને લઈને એલર્ટ જારી કર્યા બાદ કર્ણાટકના ડ્રગ રેગ્યુલેટરે ફાર્મા કંપનીઓને ગ્લિસરીન અને પ્રોપિલિન ગ્લાયકોલનું વિશ્લેષણ કરીને સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. ડબ્લ્યુએચઓ અનુસાર, સોનેપત સ્થિત મેઇડન ફાર્માસ્યૂટિકલ્સ દ્વારા ઉત્પાદિત કફ સિરપના વિશ્લેષણમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની નહિવત્ માત્રાની પુષ્ટિ થઈ છે, જે ઝેરી હોઈ શકે છે અને કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કર્ણાટકના ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ આ રસાયણોનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવામાં થાય છે. પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ‘મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, હરિયાણા દ્વારા ઉત્પાદિત ઉધરસની દવાને કારણે બાળકીના મૃત્યુ સંબંધિત અહેવાલોમાં ‘ઇથિલિન ગ્લાયકોલ અને ડાયથિલિન ગ્લાયકોલ’ હોવાના અહેવાલ મળ્યા છે. તેથી રાજ્ય સરકારે તમામ ફાર્મા કંપનીઓને ‘ગ્લિસરીન અને પ્રોપિલિન ગ્લાયકોલ જેવા સોલવન્ટની ખરીદીમાં નિયત ધોરણોનું પાલન કરવાનો’ નિર્દેશ આપ્યો છે. પરિપત્રમાં માત્ર ઇથિલિન ગ્લાયકોલની ખરીદીમાં ‘ફાર્માકોપિયલ સ્ટાન્ડર્ડ્સ’ (જરૂરી દવાઓની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટેના ધોરણો)નું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કારણ કે કેમિકલનો ઉપયોગ હાઇડ્રોલિક બ્રેક પ્રવાહી, સ્ટેમ્પ પેડ શાહી, બોલપોઇન્ટ પેન, સોલવન્ટ્સ માટે થાય છે. પેઇન્ટ, પ્લાસ્ટિક, ફિલ્મો અને સૌંદર્ય પ્રસાધનો જેવા ઘણાં ઉપભોક્તા ઉત્પાદનોના ઉત્પાદનમાં વપરાતું એક મહત્વપૂર્ણ સંયોજન. તેનો સ્વાદ મીઠો હોય છે, પરંતુ જાે તેનું સેવન કરવામાં આવે તો તે શરીરમાં ઝેરી સંયોજનોમાં તૂટી જાય છે. આ પરિપત્રમાં ફાર્મા કંપનીઓને છેલ્લા એક વર્ષમાં ખરીદેલાં ગ્લિસરીન અને પ્રોપિલિન ગ્લાયકોલના વિશ્લેષણનું પ્રમાણપત્ર સાત દિવસમાં જમા કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.