Chief Minister Shri Bhupendra Patel performing the Pahind ceremony and flagging off the chariot for the city procession during the 148th Rath Yatra of Lord Jagannath in Ahmedabad.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રીશ્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના
રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીશ્રીએ ભગવાનજગન્નાથજીનો રથ ખેંચ્યો
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા પ્રસંગે રાજ્યના સૌ નાગરિકોને
શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે ભગવાન જગન્નાથજી દરિદ્રનારાયણ છે અને શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે.
અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે ભગવાન જગન્નાથજી સૌને ખૂબ શક્તિ આપે, તેવી પ્રાર્થના પણ ભગવાન સમક્ષ કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમદાવાદ ખાતેની ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક બની રહી છે. મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજ નિમિત્તે દેશવિદેશમાં વસતાં સર્વે કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભગવાન જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી, અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રી અવિચલદાસજી, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહ અન્ય મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

